રજાઓ બાદના વિચારવમળો

ગઇકાલે રાત્રે રજાઓ માણીને રાત્રે લગભગ 9 વાગ્યે સિંગાપોર પાછો આવ્યો. ફોન ચાલુ કરતા જ મેંગ્લોરમાં બનેલી વિમાન દુર્ઘટના વિશે જાણવા મળ્યું. વિમાની દુર્ઘટનામાં 160 જીંદગીઓ નામશેષ થઇ ગઇ. સમાચાર જાણીને રજાના મૂડમાંથી એકદમ ફિલોસોફીકલ મૂડ થઇ ગયો. જીંદગી કેવી અજીબ છે. કોઇના ઘરે દિવાળી તો કોઇના ઘરે હોળી છે. કોઇના ઘરે અંધકાર તો કોઇના ઘરે ઉજાસ છે. કોઇના જીવનમાં ખુશીઓ છે તો કોઇના જીવનમાં માતમ છે. જેના પર વીતે છે એ જ જાણે છે જીંદગી કેટલી ક્રુર છે. જીંદગીનો કોઇ ભરોસો નથી અને મૃત્યુ એ જ જીવનનું અકળ સત્ય છે એ યાદ રાખવું જ રહ્યું. આવા ધણાં બધાં આડાઅવળા વિચારો દિમાગમાં આવવા લાગ્યા. અંતે, મૃતકજનોના પરિવારજનોને સાંત્વના.

રજાઓમાં માણવા માટે અમે અમારા એક મિત્રના પરિવાર સાથે ગયા હતા. મારા મિત્રને પણ રુહી જેટલી ઉંમરની જ બેબી (વેદા) છે. એટલે ત્રણ દિવસ રુહીને એની સાથે બહુ મઝા આવી રમવાની. ત્રણ દિવસ રુહી અને વેદા બન્નેએ બહુ ધમાલ કરી. રાત્રે સૂતી વખતે પણ રુહી વેદાને યાદ કરે અને સવારે ઉઠીને પણ તરત વેદાને યાદ કરે. જતા આવતા બસમાં બન્નેએ ધમાલ મચાવી મૂકી. પણ કાલે જ્યારે ઇમીગ્રેશન કાઉન્ટર પરથી છૂટા પડવાનો સમય આવ્યો ત્યારે વેદાને બાય કહેતા રુહીના ચહેરા પર એક ઉદાસી જેવું મને લાગ્યું. જ્યારે એને ખબર પડી કે હવે વેદા એની સાથે નહીં હોય ત્યારે એ એકદમ ઉદાસ થઇ ગઇ. આપ્તજનોથી વિખૂટા પડવાની પીડા એ ફક્ત મોટેરાઓમાં જ નહીં પણ નાના છોકરાઓમાં પણ હોય છે એ વાત મને સમજાઇ. અહીં વિદેશમાં ઇન્ડિયાની જેમ છોકરાઓનું ગ્રુપ બનવું મૂશ્કેલ છે. એટલે જ નાના છોકરાઓ બિચારા કોઇનો સાથ ઝંખતા હોય છે. મને એ વાતનું દુ:ખ થયું કે પૈસા કમાવવાની લ્હાયમાં રુહી પાસેથી હું એનું બાળપણ છિનવી રહ્યો છું, જે દાદા-દાદી કે ઘરના લોકોનો પ્રેમ મળવો જોઇએ એ પ્રેમ એની પાસેથી હું છિનવી રહ્યો છું, પોતાની ઉંમરના બાળકો સાથે ધમાલ કરવાની મઝા હું છિનવી રહ્યો છું. કદાચ હું બહુ લાગણીશીલ થઇને આ વિચારી રહ્યો છું. પણ આ વાત સાવ ખોટી તો નથી જ. ઘણી બધી વસ્તુઓ હું વિચારી શકું છું અને કરવા માંગુ છું પણ કરી શકતો નથી. કોઇક અલગ બંધનોમાં હું જકડાઇ ગયો છું એમ લાગે છે. આ બંધનો ક્યારેક તૂટશે એ આશા છે.

ત્રણ દિવસ રજાઓ દરમ્યાન દરિયા કિનારે સમય વિતાવવાનો સારો એવો સમય મળ્યો. એક દિવસ વહેલી સવારે હું દરિયા કિનારે ફરવા પણ ગયો હતો. સવારે દરિયા કિનારે ફરતા ફરતા મને મારા ગોવામાં વિતાવેલા દિવસોની યાદ તાજા થઇ ગઇ. સવારે જ્યારે તમે દરિયાને જુઓ ત્યારે એ એકદમ શાંત લાગે પણ આ જ દરિયો સાંજે જુઓ તો ઉન્માદમાં લાગે. સવારના સમયે પ્રકૃતિનું સાનિધ્ય માણતા દરિયાને શ્વાસમાં ભરી લેવાની મઝા કંઇક ઓર હોય છે. દરિયા કિનારે એકલા (હા એકલા જ :)) બેસી સમુદ્રના મોજાઓને નિહાળતા મન એકદમ શાંત થઇ જાય અને મનમાં અનેક નવીન વિચારોને આકાર પણ મળે. આવી એકલતા મને લાગે છે દરેકે સમયાંતરે માણવી જોઇએ.

અત્યારે ફકત આટલું જ લખવાનો સમય છે. રોજનીશીમાં વેકેશન વિશેની બીજી વાતોના પાનાં પછી ઉમેરીશ.

Advertisements

4 Responses

 1. તમે જે વાત કરી કે કોઈ ને ત્યાં ઉલ્લાસ તો કોઈ ને ત્યાં શોક તો કદાચ આ વાત સાપેક્ષવાદનો જીવંત પુરાવો કહી શકાય !!

  અને કદાચ આપ્તજનોથી વિખુટા પાડવાનો વિશાળ શું હોય છે એ આપણે દરેક બાળપણથી અનુભવતા હોઈએ છીએ …. ઘરમાં રોજ આવતી ચકલી અચાનક એક દિવસ આવવાનું બંધ કરી દે !! ઘરની નીચે એક કૂતરીના ગલુંડીયા જે ૧૫ દિવસ સુધી આપની સાથે રમતા હતા તે અચાનક એક દિવસ ગાયબ !! ગલી માં રમતો કોઈ ભાઈબંધ બીજા શહેરમાં હિજરત કરી ગયો અથવા (જેમ મારા કિસ્સામાં બન્યું તેમ) આપને જ દર ૨-૩ વર્ષે નવી જગ્યા એ રહેવા જતા રહીએ .. !! આવા તો કઈ કેટલા અનુભવો બાળકો ને આપ્તજનોથી વિખુટા પડવાની લાગણી થી પરિચિત કરાવી દેતા હોય છે !!

  અને જો હું અંગત જીવનમાં દખલગીરી કરતો ના હોઉં તો એટલું કહી શકું કે હાલ ભારતમાં ઘણુંખરું દરેક ટેકનોલોજીઝમાં ઓપનીંગઝ આવી રહી છે … જો તમે ભારતમાં જ હવે પછીની કારકિર્દી ઘડવાનું વિચારી રહ્યા હોવ તો હાલ સમય અનુકુળ છે .. અને મને લાગે છે ત્યાં સુધી ભવિષ્યમાં પણ રહેશે… 🙂

  સાચી વાત કહી કે એકલતાને સમયાંતરે માણતા રહેવું જોઈએ …

  • કુણાલ,
   ભારતમાં કારકિર્દીની ચિંતા નથી. કદાચ જો હજી બીજા બે-ત્રણ વરસ બહાર રહીશ તો ભારત પાછા આવીને કદાચ નોકરી ના પણ કરું પોતાનું સ્વતંત્ર કામ કરું. અત્યારે બસ એ માટે આર્થિક પાયો મજબૂત બનાવવાની વેતરણ જ ચાલી રહી છે.

 2. આવી ઘટનાઓ દુખી કરી દેતી હોય છે. ઇન્ડિયા થી દુર રહેવાની વાત છે તો એ બહાર રહેતા બધા લોકો નો પ્રોબ્લેમ છે. અહી New Jersey માં મારા 20 Classmates છે અને દરેક ને આજ confusion છે કે અહી રહેવું કે પાછા જવું. એક વાર અહી ની Life માં Set થયા પછી પાછા જવું થોડું અઘરું પડે અને routine માં આવી ગયા પછી લોકો વિચારવાનું બંધ કરી દે છે. જેમ ચાલે છે એમ ચાલવા દો. પણ તમારી વાત એક દમ સાચી છે. છોકરાઓ એમનું બચપણ enjoy નથી કરી સકતા. અમુક ઉમર પછી એ લોકો ને ઇન્ડિયા માં નહિ ફાવે.

  • સદાફભાઇ,
   જેમ ઉપર લખ્યું એમ વિશ્વાસ રાખીએ કે બંધનો એક દિવસ તૂટશે અને આપણે આપણી માટીમાં ભળી જવા પાછા જઇશું. પણ આ બધું તમે કહ્યું એમ છોકરાઓ મોટા થાય એ પહેલા કરવું રહ્યું.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: