ગઇ કાલે રાત્રે રુહીને હું ખૂબ વઢ્યો અને પાછળ એક લગાવી પણ દીધી. અમુક વખતે લાલ આંખ કરવી જરૂરી છે કારણ કે થોડી ઘણી શિસ્તની આદત બાળકમાં રાખવી જરૂરી છે. ડેડીનો ગુસ્સો જોઇને રુહી રડતા રડતા એની મમ્મી પાસે જતી રહી અને મમ્મીને ફરિયાદ કરવા લાગી. પછી થોડા વખતમાં એની મમ્મી સાથે એ સૂઇ પણ ગઇ.
સવારે તો રુહી ઉઠે એ પહેલા હું ઓફિસ જવા નીકળી ગયો હતો અને સાંજે લગભગ 8:30 વાગ્યે હું ઘરે આવ્યો. જેવો હું દરવાજામાં આવ્યો કે રોજની આદત મુજબ મને જોઇને રુહી “ડેડ્ડી” કહીને કૂદકો મારીને મને વળગી પડી. (રોજ રુહી પાસેથી આટલું વ્હાલ પામીને ડેડ્ડીનો તો આખા દિવસનો થાક ઉતરી જાય છે.) બસ પછી અમે સાથે જમવા બેઠા અને નીચે બોલ લઇને બાસ્કેટ બોલ કોર્ટમાં રમવા ગયા. રુહી અને હું બહુ રમ્યા અને પછી ઘરે આવીને રુહી મારી સાથે cheers (જ્યુસ પીને) કરીને સૂઇ ગઇ.
જો કે આ આખા ઘટનાક્રમે મને વિચારતા કરી મૂક્યો. મને વિચાર આવ્યો કે જો કોઇએ મારી સાથે આવું કર્યું હોત (એટલે કે ઝઘડો કરવાનું, બોલાચાલી કરવાનું, વગેરે) તો હું એ ભૂલી જઇને એ વ્યક્તિને માફ કરીને પહેલાની જેમ જ એની સાથે વ્હાલથી રહી શકીશ? જવાબ ચોક્ક્સ છે ના. આનું કારણ છે હવે હું મોટો થઇ ગયો છું. હું વધારે પડતો બુધ્ધિશાળી થઇ ગયો છું. હું વધારે પડતો વિચારતો થઇ ગયો છું હું વધારે પડતો અભિમાની થઇ ગયો છું. વગેરે વગેરે. મોટા થઇએ એટલે જાણ્યે અજાણ્યે સમજ સાથે આ બધા ગુણો કે અવગુણો આપણામાં આવી જતા હોય છે. આપણે પોતાની જાતને બીજાથી ઉપર સમજવા લાગતા હોઇએ છીએ. નાના છોકરાઓને હજી એવી વિચારશીલતા છે નહીં એટલે જ તેઓ બધું ભૂલી જઇને બધાં સાથે પ્રેમભાવથી રહી શકે છે. બાળકોનું હ્રદય એકદમ ચોખ્ખું છે. જ્યારે આપણે મોટેરાઓ આવો શુધ્ધભાવ નથી રાખી શકતા. એટલે જ કદાચ ગુજરાતીમાં કહેવત પણ છે કે “મોટા એટલા ખોટા”. અંગ્રેજીમાં આજ વસ્તુના સંદર્ભમાં કહેવાય છે કે “Ignorance is bliss”. જ્યાં સુધી ખબર નથી ત્યાં સુધી સુખી છીએ. એક વખત સારા નરસાની ખબર પડવા લાગે એટલે આપણે કેવા દુ:ખી થવા લાગીએ છીએ.
ઘણાં વખત પછી આ પ્રકારનું મનોમંથન કર્યું.
Filed under: રુહી, રોજનીશી | Tagged: અભિમાન, કહેવત, ગુસ્સો, બુધ્ધિ, રુહી, વ્હાલ, સમજણ |
આપણે મોટા થતા જઈએ છીએ એમ આપણી નિખાલસતા ગુમાવતા જઈએ છીએ. ભુલી જવાની વૃત્તિ છોડી યાદ કર્યા કરવાની પ્રવૃત્તિ કરતા રહીએ છીએ. મારી દીકરી નાની હતી ત્યારે એક વાર એની મમ્મીએ એક લગાવી આપી.
મેં મારી દીકરીને મમ્મી વતી સોરી કહેલ તો એણે કહેલ,’મમ્મી તો મારે. બધાની જ મમ્મી મારે.’ બસ ત્યારથી મમ્મી બધાની મમ્મી કરતા અલગ બની ગઈ.
જો આંખ બતાવતા કે મોટો અવાજ કરતા વાત પતતી હોય તો હાથ ન ઉપાડવો.
અહિં એક આડવાત, મારા સંબધીના પૌત્રને દાદાએ એક જોરદાર લગાવી દીધી. એ પૌત્રનો અંગ્રેજ મિત્ર એ જોઈ ગયો. એણે 911 પોલીસને ફોન કરી દીધો. પોલીસે દાદાને અંદર કરી દીધેલ એ છોડાવતા દમ નીકળી ગયેલ.
તમે જે કર્યુ એ બરાબર જ છે.. એટલે કે આપણી આંખ કે ક્યારેક સંતાનોના ગાલ લાલ કરીયે એ જરૂરી નથી તેમ ખોટુ પણ નથી.. અને હા ત્યારબાદ આ “અહેસાસ” થવો એ જ તો સંવેદના બતાવે છે…. ફોરેનમાં અગર પેરેન્ટસ નથી મારતા (કે નથી મારી શકતા) એનું કારણ એમના પ્રેમ કરતા 911 વધુ જવબદાર છે.
આપણે મોટા થઈએ છીએ – એમ સામે પણ આપણી સાથે ખોટું કરવા વાળા મોટા હોય છે – જેઓ સમજી વિચારીને, જાણી જોઈને ખોટું કરે છે, તેમને ખબર છે કે તેઓ શું કરે છે – એટલે આપણે તેમનાં કૃત્યો ન ભૂલીએ તો એમાં કંઈ નવાઈ પામવા જેવી વાત નથી. અત્યાર સુધી હું પણ બધું ભૂલી જવાની ટેવ વાળો હતો , પણ છેલ્લાં થોડા દિવસમાં થયેલા અનુભવો પછી લાગે છે કે એવું પોસાય તેવું નથી 🙂
બાળક ભુલી જાય છે કારણ કે તે જાણે છે કે આપણો ગુસ્સો તેને સુધારવા માટે છે. સકારણ અને અકારણ ગુસ્સા વચ્ચેનો ભેદ બાળક બરાબર જાણે છે. મોટા ઘણી વખત અન્ય કોઈ મુંઝવણમાં હોય તો તેની ખીજ અભાનપણે બાળક ઉપર ઉતારી દેતા હોય છે. આવી બાબતોની બાળકના માનસ ઉપર બહુ અસર થાય છે અને તેવે વખતે તે આપણને જલ્દીથી માફ પણ નથી કરતું.