સુખદ અનુભવ

દિલ્હીની મેટ્રો ટ્રેનની જેમ જ અહીં સિંગાપોરમાં મેટ્રો ટ્રેન સર્વિસ ચાલે છે. અહીં એ MRT (Mass Rapid Transit) તરીકે ઓળખાય છે જે અહીંના જીવનની જીવાદોરી છે. મારા જેવા સિંગાપોરના ગરીબ અથવા તો મધ્યમ વર્ગના લોકો મોટા ભાગે આ MRT માં મુસાફરી કરતા હોય છે. અહીંની ટ્રેનો પણ હવે ઇન્ડિયાની ટ્રેનોની જેમ ભરચક થતી જાય છે અને peak hoursમાં city centreથી ટ્રેનો લગભગ એકદમ ભરેલી જતી હોય છે.

આજે ટાઉનો જન્મદિવસ હોવાથી અમે ટાઉને લઇને મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. પાછી આવતી વખતે પ્લેટફોર્મ પર આવેલી ટ્રેનમાં ખૂબ જ ભીડ હતી. હવે બન્યું એમ કે ટાઉ અને વિભા બન્ને ભીડમાં પણ ટ્રેનમાં ઘૂસી ગયા પણ મારી જોડે રુહીની બાબાગાડી હોવાથી ના ચઢી શકાયું. આથી જ્યારે ટ્રેનનો દરવાજો બંધ થતો હતો ત્યારે મેં હાથના ઇશારાથી વિભાને સમજાવ્યું કે તમે આગળ જાઓ અને હું પછીની ટ્રેનમાં આવું છું. મને તો એમ જ હતું કે મારે હવે પછીની આવનારી ટ્રેનમાં જવું પડશે. પણ મારા આશ્ચર્ય વચ્ચે ટ્રેનનો દરવાજો ફરીથી ખૂલ્યો અને જ્યાં સુધી ટ્રેનમાં બાબાગાડી સાથે હું અંદર ના આવ્યો ત્યાં સુધી એટલે કે લગભગ 5-7 સેકન્ડ સુધી ટ્રેનનો દરવાજો ખૂલ્લો રહ્યો. મારા મનમાં અહો આશ્ચર્યમની લાગણી થઇ અને ગાડીના ડ્રાઇવરની આ કાળજી બદલ માન થઇ ગયું.

અહીંની ટ્રેનમાં મુસાફરી કરતી વખતે મેં ઘણી વખત નોંધ્યું છે કે ડ્રાઇવર જાણે દરેક ડબ્બાના દરવાજાને મોનિટર કરીને દરવાજા બંધ કરતો હોય એવું લાગે. મને લાગે છે કે ટ્રેનમાં ડ્રાઇવર પાસે કદાચ કોઇક મોનિટરીંગ સિસ્ટમ હશે જેનાથી ડ્રાઇવર દરવાજા અને પ્લેટફોર્મ પરના મુસાફરોને જોઇ શકે. હું કદાચ ખોટો પણ હોઉ પણ કાળજી મોટાભાગે ડ્રાઇવરો દ્વારા લેવાતી તો હોય જ છે. જો કે હાર્બર ફ્રન્ટ લાઇન પર ડ્રાઇવર વગર ટ્રેનો ચાલતી હોવાથી આવી કોઇ શક્યતા નથી અને એમાં કેટલીક વખત અકસ્માત પણ સર્જાયા છે. જે પણ હોય પણ આજનો આ અનુભવ મને યાદ રહેશે અને ડ્રાઇવરનો પણ દિલથી આભાર.

Leave a comment