NHPC લિસ્ટીંગ

ગયા અઠવાડિયે અદાણી પાવરના લિસ્ટીંગ બાદ આવતી કાલે ફરીથી હેવી ડ્યુટી લિસ્ટીંગ છે. આવતીકાલે લિસ્ટીંગ છે NHPCનું. NHPCમાં 36 રૂપિયાના શેર સામે પહેલા લોકો 45 રૂપિયાના લિસ્ટીંગની વાત કરતા હતા પણ અદાણીનું જે રીતે ઠંડુ લિસ્ટીંગ રહ્યું એ જોતા NHPCમાં 40થી વધારે લિસ્ટીંગ થાય એમ લાગતું નથી. અદાણી પાવર લિસ્ટીંગ બાદ પણ 105 થી નીચેની રેન્જમાં ભાવ હતો એટલે 4-5 દિવસ રાહ જોઇને કંટાળીને પછી 1100 રૂપિયા નફો લઇને અદાણીના શેર વેચી દીધા. હવે માર્કેટમાં વધૂ પૈસા રાખી મૂકવા પોષાય એમ નથી. એટલે જે પણ નફો મળે એ લઇને ઘર ભેગા રૂપિયા કરી લેવાના.

જોઇએ કાલે NHPCના લિસ્ટીંગમાં બૂમ……. બૂમ……. થાય છે કે પછી બૂ…….. થાય છે.

Adani Power listing shocked investors

થોડા દિવસ પહેલા મેં એક પોસ્ટ લખી હતી અદાણી પાવર અને એનએચપીસીના ઇસ્યુ વિશે. એમાં મેં એક ડર સેવ્યો હતો કે ઇતિહાસનું ફરી એક વખત પુનરાવર્તન ના થાય અને મારો એ ડર સાચો જ પડ્યો. આજે અદાણી પાવરનું લિસ્ટીંગ થયું અને કોઇ ઇન્વેસ્ટરને 5% નો પણ ફાયદો ના થયો. આજે અદાણી પાવર 100.10 રૂપિયાના ભાવે બંધ થયો. હવે ઇન્વેસ્ટરોએ 10 પૈસા કમાવા માટે લાખ રૂપિયા લગાવ્યા હશે? આજે માર્કેટ આખો દિવસ ગ્રીનમાં હતું તેમ છતાં પણ ઇન્વેસ્ટરો 5% પણ ના કમાઇ શકે તો એવા લિસ્ટીંગનો ફાયદો શું? મને ખરેખર બહુ નિરાશા થઇ આજના લિસ્ટીંગથી. ખાલી એક વાત આશ્વાસનરૂપ રહી કે રિલાયન્સ પાવર જેટલી ખરાબ હાલત નથી થઇ અદાણી પાવરની.

જોઇએ હવે એનએચપીસીમાં શું થાય છે?

Histrory repeats in itself

શેરબજારમાં છેલ્લું એક વર્ષ ખૂબ ખરાબ રહ્યું. આ વર્ષ દરમ્યાન કમાયેલી ખોટ ખબર નહીં ક્યારે ભરપાઇ થશે. ખરાબ માર્કેટના લીધે શેરબજારમાંથી રૂપિયા કમાવાના રાખેલા ટાર્ગેટ અધૂરા રહી ગયા (જેટલો નફો કરવાનો ટાર્ગેટ રાખ્યો હતો એટલી ખોટમાં આવી ગઇ પાર્ટી 🙂 ) IPO માર્કેટ જેમાંથી સૌથી વધૂ નફો આવતો હતો એ દુકાન તો સાવ બંધ જ થઇ ગઇ. પણ હવે માર્કેટની સ્થિતિ સુધરી રહી છે અને IPO માર્કેટ પણ હવે પાટે આવતું જાય છે. હાલમાં નવા ઇસ્યુ આવી રહ્યા છે અને એટલે "दु:ख भरे दिन बीते रे भैया, सुख के दिन आयो रे" એવું કહી શકાય.

હવેના પંદર દિવસમાં બે block buster પ્બલિક ઇસ્યુ આવી રહ્યા છે.

1. અદાણી ગ્રુપનો “Adani Power Ltd.”

adani_logo

2. સરકારી એકમ "NHPC" (National Hydroelectric Power corportion)

image

આ બન્ને કંપનીઓ પાવર જનરેશનના ક્ષેત્રમાં છે અને બન્ને મેગા ઇસ્યુ છે. બન્ને ઇસ્યુ માટે માર્કેટમાં સારી હવા જામી છે અને મોટા ભાગના લોકો આ બે ઇસ્યુમાં પૈસા રોકવાના છે. આ કારણે આ બે ઇસ્યુ પછી લિક્વીડીટી માર્કેટમાં ઓછી રહેવાની.

મને અત્યારનો માહોલ જોઇને રિલાયન્સ પાવરના ઇસ્યુ વખતનો જે માહોલ હતો એ યાદ આવી ગયો. રિલાયન્સ પાવરના ઇસ્યુ વખતે મેં એક પોસ્ટ લખી હતી. અનિલ ભાઇએ પોતાના માર્કેટિંગના દમ પર દરેક ઐરા ગૈરા નથ્થુ ખૈરાને બજારમાં આવવા લલચાવી દીધા. બધાએ પૈસા રોક્યા પણ ખરા અને લિસ્ટીંગના દિવસે બધાં રોયા. ઘણાં લોકોના પૈસા હજુ સુધી રીકવર નથી થયા. મારા ડીમેટ એકાઉન્ટમાં હજી પણ 25 પડ્યા છે રિલાયન્સ પાવર. હવે 2012 – 2015 સુધી રાહ જોયા વગર છૂટકો નથી.

અત્યારે રિલાયન્સ પાવરની જેમ જ અદાણીવાળા એમના પબ્લિક ઇસ્યુનું પરફેક્ટ માર્કેટીંગ કરી રહ્યા છે. એન્કર ઇન્વેસ્ટરો દ્વારા લેવાયેલા હિસ્સાની વાત હાઇલાઇટ કરાય છે. કંપની પાસેના પાવર જનરેશનના પ્રોજેક્ટની જોર શોરથી જાહેરાત કરાય છે અને ગ્રાન્ડ પિક્ચર બતાવવામાં આવે છે. આ બધું જોઇને મને મનમાં થોડી આશંકા જાય છે કે ફરીથી માર્કેટની એવી હાલત તો નહીં થાયને જેવી રિલાયન્સ પાવરના ઇસ્યુ પછી થઇ હતી. રિલાયન્સ ઇસ્યુ પછી માર્કેટમાં લિક્વીડીટીનો બહુ પ્રોબ્લેમ થઇ ગયો હતો. રીટેઇલ રોકાણકારો પાસે પૈસા નહોતા અને FII અને ઇન્સ્ટીટ્યુટ ઇન્વેસ્ટરોએ કેશ ફ્લો મેઇન્ટેઇન કરવા ધૂમ વેચાણ કર્યું અને માર્કેટ એકદમ બેસી ગયું. કહેવાય છે કે “History repeats in itself”. મને ડર લાગે છે કે માર્કેટ ફરીથી ના બેસી જાય કારણ કે અદાણી અને NHPC બન્ને ખૂબ મોટી રકમના ઇસ્યુ છે.

અદાણી ગ્રુપનો પહેલા મુન્દ્રા પોર્ટનો ઇસ્યુ આવેલો એમાં લોકોએ સારા એવા રૂપિયા બનાવેલા. મેં તો લિસ્ટીંગના દિવસે જ રૂપિયા ડબલ કરી નાંખ્યા હતા. એના લિસ્ટીંગ વખતે હું ઇન્ડિયા આવેલો હતો અને મુન્દ્રામાંથી કમાયેલા રૂપિયામાંથી બધા ફરી આવ્યા અઠવાડિયા માટે. આ વખતે અદાણી ગ્રુપ મારા પૈસા ડબલ ના કરે તો કઇ નહીં પણ લિસ્ટીંગના દિવસે ફાયદો કરાવે તો પણ ઘણું.

શું કરીએ નફો થાય કે ખોટ થાય પણ બજારનો મોહ છૂટતો નથી. गंदा है पर धंधा है ये….

અદાણી ગ્રુપ અને NHPC નો લોગો બન્ને ગ્રુપની વેબસાઇટ પરથી લીધેલ છે.

Upper circuit in Market

Market has greeted today the return of UPA govt. with bang. Today after lot many days market locked @upper circuit and tading suspended for an hour. I hope market can move forward now on and I can cut short my losses and recover atleast my huge investment.

સત્યમ કે અસત્યમ

આજે ભારતની ચોથા નંબરની સૌથી મોટી આઇટી કમ્પની સત્યમ કોમ્પ્યુટરમાં ચાલી રહેલા આર્થિક કૌભાંડોનો પર્દાફાશ થયો. સત્યમના ચેરમેન બી. રાજુએ પોતાના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને લખેલા રાજીનામામાં છેલ્લા 10 વર્ષથી કમ્પનીમાં ચાલી રહેલી આર્થિક ગેરરીતિઓનો એકરાર કર્યો અને કમ્પનીના ચેરમેન પદેથી રાજીનામું આપી દીધુ. કમ્પનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને લખેલા પોતાના રાજીનામામાં રાજુએ 5000 કરોડ રૂપિયાથી પણ વધુની ગેરરીતિ કર્યાનો સ્વીકાર કર્યો છે અને જોવા જેવી વાત મને એ લાગે છે કે છેલ્લા 10 વર્ષથી આટલા મોટા પાયે ગોલમાલ ચાલતી હોવા છતા સેબી કે કોઇ રેગ્યુલેટરી ઓથોરીટી તો ઠીક પણ બોર્ડ ઓફ ડિરેક્ટરોને પણ આ વાતની જાણ નહોતી. સત્યમ દુનિયાના 66 દેશોમાં કામ કરે છે અને કુલ 53000 જેટલા કર્મચારીઓ સત્યમમાં કામ કરે છે. મને લાગે છે સત્યમ કમ્પની તરીકે આમ બરાબર છે. તેની પાસે ગ્રાહકો છે, કુશળ કર્મચારીઓ છે અને ધંધો પણ છે. પણ પ્રશ્ન એ છે કે હવે આગળ સત્યમ પર કોણ ભરોસો કરશે? આજની તારીખમાં સત્યમ માટે સૌથી ઉત્તમ રસ્તો છે કોઇ મોટી કમ્પની સાથે મર્જરનો. આ રસ્તો કમ્પની માટે, એના કર્મચારીઓ માટે અને કરોડો શેરઘારકો માટે સૌથી ઉત્તમ છે. ટેક મહીન્દ્રાનું નામ વચ્ચે આ સંદર્ભમાં આવ્યું હતું પણ જોઇએ હવે આગળ શું થાય છે.

સત્યમના આ ધડાકાએ શેરબજારમાં આજે 750 પોઇન્ટનો કડાકો બોલાવી દીધો.  દરેક ક્ષેત્રના શેરોમાં સામૂહિક વેચવાલીએ માર્કેટને સાવ ચગદી નાંખ્યું. આ આખા ગોટાળામાં ફરી એકવાર સાબિત થઇ ગયું કે સેબી એ રોકાણકારોના હિતોનું રક્ષણ કરવામાં અસમર્થ છે. આટલું મોટું કૌભાંડ ઓડિટરો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો અને રેગ્યુલેટરોની અનદેખી સિવાય શક્ય ના બની શકે. હજી પણ માર્કેટમાં કેટલીય એવી કમ્પનીઓ છે કે જેનો ધંધો કોઇ ના હોવા છતાં ખાલી મોટા ચોપડા જ ચીતરતી હોય છે. મને સૌથી વધારે ડર અનિલ અંબાણી ગ્રુપની કમ્પનીઓનો લાગે છે. રિલાયન્સ પાવરમાં તો ધંધા વગર જ અનિલભાઇએ રોકાણકારોને એક વખત તો નવડાવી નાંખ્યા છે. RNRL બીજી એક એવી કમ્પની છે અનિલભાઇની કે જે મને ખૂબ risky લાગે છે. આ કમ્પનીનો શું ધંધો છે એ આજ સુધી હું નથી સમજી શક્યો. બન્ને ભાઇઓ વચ્ચે ગેસનો ઝઘડો ક્યારે પતશે અને શું પરિણામ આવશે એના ઉપર આ કમ્પનીનું ભાવિ અધ્ધરતાલ છે. આ તો સારું છે IPO market અત્યારે જોરમાં નથી નહીં તો હજી બીજી બે-ત્રણ કમ્પનીઓના ઇસ્યુ લઇને અનિલભાઇ લોકોને નવડાવી ગયા હોત. આજે સત્યમના શેરમાં લગભગ 75% જેટલો કડાકો બોલાઇ ગયો અને માર્કેટ બંધ થવાના સમયે 40 રૂપિયાની આસપાસ ભાવ થઇ ગયો હતો. લગભગ 27 કરોડ શેરોની વેચવાલી થઇ. જોઇએ હવે અમેરિકન માર્કેટમાં શું હાલ થાય છે સત્યમના. સત્યમ એક સમયે મારો ફેવરીટ ટ્રેડીંગ સ્ટોક હતો. સારુ છે અત્યારે મારી પાસે સત્યમના શેર નથી પડ્યા.

જોઇએ હવે સરકાર અને સેબી આ આખા પ્રકરણમાં આગળ શું કરે છે?

Power of Reliance Power

એમ કહેવાય છે કે જે થાય છે એ સારા માટે થાય છે. જ્યારે એ વસ્તુ થતી હોય છે ત્યારે કદાચ દરેકને એમ જ લાગતું હોય છે કે આમ શા માટે થયું અને જે થયું એમાં સારુ શું હશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડના સંદર્ભમાં મને આ વાત યાદ આવી ગઇ.

આજથી લગભગ 2 – 2.5 વર્ષ પહેલા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડ બે ભાગમાં વહેંચાઇ હતી. મૂકેશભાઇ અને અનિલભાઇના આંતરિક મતભેદોના લીધે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડ બે ભાગમાં વહેંચાઇ ગઇ. ત્યારે લગભગ દરેકને એમ જ લાગતું હતું કે આ બે ભાઇઓ પિતાના દ્રારા ઉભી કરેલી આ વિરાસતને ઉજાડવા બેઠા છે. બે ભાઇઓ અલગ થઇને સફળ થઇ શકશે નહીં એવું લોકો માનતા હતા. પણ આજે લગભગ બે વર્ષ બાદ મૂકેશભાઇ અને અનિલભાઇ બન્ને ભાઇઓએ જનતા જે માનતી હતી તેને ખોટી સાબિત કરી નાંખી. બન્ને ભાઇઓએ અલગ થઇને પોતાપોતાને કમ્પનીઓને ટોચ પર પહોંચાડી દીધી છે. છેલ્લા કેટલાક સમયથી શેરબજારમાં ફૂલગુલાબી તેજી છે અને આ તેજીએ બન્ને ભાઇઓને માલામાલ કરી દીધા છે. મૂકેશભાઇ એક સમયે તો દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ પણ બની ગયા. મૂકેશભાઇના ગ્રુપની કમ્પનીઓનું માર્કેટ કેપ આજે 1 લાખ કરોડથી પણ વધારે છે તો અનિલભાઇ પણ શા માટે પાછળ રહે. અનિલભાઇની ADAG ગ્રુપની કમ્પનીઓ એ છેલ્લા વર્ષમાં રોકાણકારોને સૌથી વધારે માલામાલ બનાવ્યા. છૂટા પડતી વખતે અનિલભાઇના સમૂહની કમ્પનીઓનું માર્કેટ કેપ લગભગ 16,000 કરોડ રૂપિયા હતું જે આજની તારિખમાં લગભગ 1 લાખ કરોડ રૂપિયા જેટલું થઇ ગયું છે. રિલાયન્સ સમૂહની કમ્પનીઓમાં જેણે ધીરજ રાખીને છેલ્લા વર્ષમાં રોકાણ કરી રાખ્યું હશે એમણે નક્કી પોતાના પૈસા એક વર્ષમાં બમણા કરી નાંખ્યા હશે.

રિલાયન્સ ગ્રુપની એક વિશેષતા એ છે કે તેઓને પોતાના ધંધા માટે જ્યારે  રૂપિયાની જરૂર હોય છે ત્યારે તેઓ હંમેશા પબ્લિક પાસે જ જાય છે એટલે કે પબ્લિક ઇસ્યુ બહાર પાડે છે. જો કે જોવા જેવી વાત એ છે કે જ્યારે રિલાયન્સ ગ્રુપની કમ્પની પબ્લિક પાસે જાય છે ત્યારે પબ્લિક પણ ખોબા ભરી ભરીને રૂપિયા આપે છે. અનિલ ગ્રુપ નવી કમ્પની રિલાયન્સ પાવર ચાલુ કરી રહી છે અને દર વખતની જેમ પોતાના નવા સાહસ માટે પબ્લિક ઇસ્યુ અનિલભાઇ માર્કેટમાં લઇને આવ્યા.

રિલાયન્સ પાવરનો પબ્લિક ઇસ્યુ ઘણી રીતે અદ્વિતીય હતો. એક તો આ ઇસ્યુ અત્યાર સુધી ભારતના શેરબજારના ઇતિહાસનો સૌથી મોટો ઇસ્યુ છે. લગભગ 11,200 કરોડ રૂપિયાનો આ પબ્લિક ઇસ્યુ હતો. બીજી વિશેષતા એ હતી કે નાનામાં નાનો માણસ પણ Retail વિભાગમાં શેર માટે અરજી કરી શકે તે માટે Part Paymentની સુવિધા આપી હતી. આના લીધે મહત્તમ ભરણાં માટે 1 લાખ રૂપિયાના બદલે ફક્ત 25,875 રૂપિયા જ અરજી કરતી વખતે ભરવાના હતા. વળી  Retail રોકાણકારોને 20 રૂપિયાનું discount પણ આપવામાં આવ્યું હતું.

રિલાયન્સ પાવરના આ ઇસ્યુને અદભૂત સફળતા મળી. ઇસ્યુ ખૂલતાની સાથે જ ફક્ત 58 સેકન્ડમાં આખો ઇસ્યુ subscribe થઇ ગયો હતો. આખો ઇસ્યુ લગભગ 73 વખત over subscribe થયો અને લગભગ 7.5 લાખ કરોડ રૂપિયા આ ભરણાં થકી જમા થયા હતા.  FII થકી લગભગ 100 બિલીયન ડોલર્સનું રોકાણ કરવામાં આવ્યું હતું જે 14% જેટલું ભારતના વિદેશી મુદ્રાના ભંડાર જેટલું થાય છે. લગભગ 50 મિલીયન જેટલા Retail ઇન્વેસ્ટરોએ આ ભરણાંમાં રોકાણ કર્યું. દુનિયામાં કોઇ પણ લિમીટેડ કમ્પનીની શેર હોલ્ડીંગ પેટર્નમાં 50 મિલીયન Retail શેર હોલ્ડર નથી. ફક્ત આ ભરણાંમાં પૈસા રોકવા માટે જ 10 લાખ જેટલા નવાં demat account લોકોએ ખોલાવ્યાં. ગુજરાતમાં તો આ ભરણાં ને લઇને ખૂબ જ ઉત્સાહ હતો. મહિલાઓમાં પણ આ ભરણાંને લઇને ખૂબ ઉત્સાહ હતો. પોતાના નામે જાતે જ ખાતા ખોલાવવા લાંબી કતારોમાં મહિલાઓ ઉભી રહી હતી. સામાન્ય માણસ કે જેને શેરબજાર શું કહેવાય એ પણ ખબર નથી તેણે પણ આ ભરણાંમાં પોતાના રૂપિયા લગાવ્યા છે. આ ભરણાંથી સામાન્ય પ્રજા કે જેઓએ પહેલી વખત રોકાણ કર્યું છે એમને ખૂબ આશા છે. ઘણાં લોકોએ પોતાની અરજીને 6000 -7000 રૂપિયામાં પણ વેચી નાંખી છે.

અનિલભાઇ અને એમની ટીમ પર લોકોને ખૂબ ભરોસો છે. જોવા જેવી વાત તો એ છે કે રિલાયન્સ પાવર નવી જ કમ્પની છે અને એણે હજી એક પણ રૂપિયાનો નફો નથી કર્યો તો પણ આવો જબરદસ્ત પ્રતિભાવ લોકો તરફથી મળ્યો છે. એ જ બતાવે છે કે લોકોની રિલાયન્સ બ્રાન્ડ પર કેટલો ભરોસો છે. અનિલભાઇએ પણ આ ભરણાંને સુપર ડુપર બનાવવામાં કોઇ કસર નથી છોડી. મુંબઇના ડબ્બાવાળા પાસે લોકોના ટીફીનમાં પોતાના ભરણાંના ફોર્મ મોકલાવવાના કે પછી રિલાયન્સ પાવરની એડના રિંગટોન લોકોના મોબાઇલ પર મોકલાવવાના કે પછી દરેક ટીવી ચેનલ પર રિલાયન્સ પાવરની એડ બતાવવાની જેવા નવતર વિચારો અનિલભાઇએ અપનાવ્યા. અનિલભાઇ આમ તો ધીરુભાઇના જમાનાથી જ રિલાયન્સ માટે પૈસાજ્યારે માર્કેટમાંથી લાવવાના હોય ત્યારે તેના માટે કામ કરતા હતા પણ આજે જ્યારે પોતાની કમ્પની માટે આ કામ કરવાનું આવ્યું ત્યારે આ કામ બખૂબી કરી બતાવ્યું. આશા છે કે કરોડો લોકોની આશા હવે અનિલભાઇ પર છે. અનિલભાઇના કહેવા મુજબ દરેક રોકાણકારને લઘુત્તમ 1 લોટ આપવાનો પ્રયત્ન કરવામાં આવશે. બધાંને આશા છે કે લિસ્ટીંગ ના દિવસે એમને 5000 રૂપિયા તો મળશે જ. મેં પણ અરજી તો કરી છે અને લગભગ 15-16 શેર મળશે એવું લાગે છે. જોઇએ કેટલો નફો થાય છે. [:)]

નીચે રિલાયન્સ પાવરની એડ છે.

શેરબજારની ઉઠાપટક

છેલ્લા બે અઠવાડિયામાં ભારતીય શેરબજારમાં સારી એવી ઉઠાપટક જોવા મળી. સેન્સેક્સ એક સમયે 19000 ઉપર કૂદી ગયો હતો. વળી 18000 થી 19000 સેન્સેક્સ માત્ર 4 દિવસમાં પહોંચી ગયો હતો. 16000 – 17000 ના લેવલથી જ માર્કેટમાં એક અંદેશો હતો કે હવે કદાચ માર્કેટ ડાઉન જશે પણ માર્કેટ રોજ નવી નવી સપાટી સર કરતું હતું. એક સમયે નાણામંત્રી ચિદમ્બરમે પણ કહેવું પડ્યું કે માર્કેટ થોડું ઠંડું પડવું જોઇએ. માર્કેટના ખેલાડીઓએ આ તેજીનો ખૂબ લાભ લીધો. કેટલાક લોકો રોજના લગભગ 10 – 15 હજાર રૂપિયા માર્કેટમાંથી કમાતા હતા. ત્રણ દિવસ પહેલા જે વાતનો ડર હતો એ જ થયું. સેબીએ પાર્ટીશીપેશન નોટ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી અને બીજા દિવસે સવારે માર્કેટ ખૂલતા જ સેન્સેક્સમાં 1700 પોઇંટનો કડાકો બોલાઇ ગયો અને ટ્રેડીંગ શરૂ કર્યાની બે મિનીટમાં જ માર્કેટને લોઅર સર્કીટ પર ટ્રેડીંગ બંધ કરવું પડ્યું. પહેલા 1700 પોઇન્ટ માર્કેટ ડાઉન જોઇ મને લાગ્યું કદાચ વેબસાઇટનો પ્રોબ્લેમ હશે. પણ પછી બધી માયાની ખબર પડી.

તેજીમાં રિલાયન્સની ગ્રુપ કમ્પનીઓના શેરના ભાવ એટલા બધા વધ્યા કે બંને અંબાણી ભાઇઓ ફોર્બસની દુનિયાના સૌથી વધૂ ધનવાન લોકોની યાદીમાં ટોપ 20 માં આવી ગયા. જો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરનો ભાવ જો હજી બીજા 400-500 રૂપિયા વધી ગયો હોત તો મૂકેશભાઇ બીલ ગેટ્સને પાછળ છોડીને દુનિયાના સૌથી વધૂ ધનિક માણસ બની ગયા હોત. અનિલભાઇની રિલાયન્સ એનર્જીના શેરનો ભાવ તો ગાંડાની જેમ રોજ 10-15% વધતો હતો. ફક્ત 1-2 અઠવાડિયામાં રિલાયન્સ એનર્જીના ભાવ 700-800 રૂપિયાથી 1900 રૂપિયા સુધી પહોંચી ગયો હતો. જો કે એ વાત પણ છે કે 2-3 દિવસની મંદીમાં જ રિલાયન્સ એનર્જીનો ભાવ 1950 થી 1300ની આસપાસ થઇ ગયો છે.

જો કે આ તેજી મંદીના ખેલમાં મારા જેવા કેટલાય નાના ઇન્વેસ્ટરોની લેવાઇ ગઇ હશે. જો કે મારે કોઇ નુકસાની નથી થઇ. મેં પણ વહેતી ગંગામાં હાથ ધોઇ લીધા અને 8600 રૂપિયા કમાઇ લીધા. કદાચ ધાર્યું હોત તો વધારે કમાઇ શક્યો હતો પણ માર્કેટની આવી ગાંડી ચાલમાં જોખમ લેવું યોગ્ય ના લાગ્યું. શેરબજારના નવા નિશાળીયાઓ માટે આટલા રૂપિયાનો ફાયદો થઇ ગયો એ બહુ થઇ ગયું. બાકી કેટલાય નવા નવા માર્કેટમાં ઘૂસેલા લોકો રોતા હશે અત્યારે.

અત્યારે હાલમાં તો શેરબજારમાં કંઇ રોકાણ નથી. ઇન્ડીયા જવાનું હોવાથી અત્યારે હાથ પર થોડા પૈસા રાખવા જરૂરી છે. જે પણ રોકાણ છે એ બધું હાલમાં મ્યુચ્યલ ફંડમાં જ છે એટલે બહુ વાંધો નથી. ઇન્ડીયાથી આવી ફરીથી રોકાણ ચાલુ કરીશું અને ત્યાં સુધી માર્કેટ પણ સ્થિર થઇ ગયું હશે.