આવતા રવિવારે 5 દિવસની ટૂંકી બિઝનેસ ટ્રીપ પર ચાઇના જવાનું છે. ચાઇનામાં Dalian શહેરમાં જવાનું છે. Dalian શહેરમાં અમારી કંપનીની ઓફિસ છે. Dalianમાં ઘણી બધી વિદેશી કંપનીઓની ઓફિસો છે અને ત્યાં સોફ્ટવેરપાર્ક પણ ખૂલેલા છે. આ કારણે Dalianમાં Expat એટલે કે પચરંગી પ્રજા ઘણી છે.
પહેલી વખત ચાઇના જઇ રહ્યો છું પણ મારા જેવા સિંગાપોરના રહેવાસીને ચાઇના બહુ અલગ નહીં લાગે એવું લાગે છે. મારા જેવા શુધ્ધ શાકાહારી માણસને ખાવા પીવાની ભરપૂર તકલીફ પડવાની સંભાવના છે પણ હોટલમાં સવારના વેસ્ટર્ન નાસ્તા થકી કામ ચાલી જશે એવું લાગે છે. જ્યાં રોકાવાનું છે એ હોટલમાં દર સોમવારે Indian Buffet Meal ઓફર કરાય છે એવું વેબસાઇટો પર રિવ્યુમાં લોકોએ લખ્યું છે. જો આ વાત સત્ય હોય તો સારુ. બાકી ગુજ્જુભાઇઓના કાયમી સંગાથી એવા થેપલા તો લઇ જ જવાના છે.
જ્યાં રહેવાનું છે એ હોટલ સારી છે અને એની આજુબાજુનો વિસ્તાર સારો છે. હોટલની પાસે જ બીચ છે એટલે સાંજે ઓફિસેથી આવ્યા પછી ઠંડી હવા ખાવા બીચ પર જઇ શકાય. સૌથી સારી વાત એ છે કે વર્ષના આ સમય દરમ્યાન Dalianમાં તાપમાન 20 – 30 ડિગ્રી સે. જેટલું જ રહે છે એટલે મારા જેવા ગરમીથી અકળાયેલા માણસો માટે થોડી રાહત રહેશે. બીજે ક્યાં ક્યાં ફરવા જવું એ હજી નક્કી નથી કર્યું. કદાચ ત્યાં પહોંચ્યા પછી હોટલમાંથી વધૂ માહિતી લઇને ક્યાં જવું એ નક્કી કરીશું.
Itineraryમાં Singapore – Shanghai – Dalianનો રૂટ છે. સવારના 10 વાગ્યે સિંગાપોરથી ફ્લાઇટ છે જે મને Dalian રાત્રે 8 વાગ્યે પહોંચાડશે. 7 કલાક હવામાં કાઢવાના છે અને મને એનો સૌથી વધૂ કંટાળો છે. હવાઇ મુસાફરીની સૌથી મોટી સમસ્યા એ છે કે તમે વારે ઘડીએ પગ છૂટો કરવા ના જઇ શકો. પગ છૂટો કરવા જવું હોય તો પણ બીજા બે જણાને હેરાન કરવા પડે એટલે એ મોઢા બગાડે અને વિમાનની નાની જગ્યામાં આંટા ફેરા મારો તો વિમાન પરિચારીકા મોઢા બગાડે.
શાંઘાઇમાં વચ્ચે ત્રણ જ કલાકનું રોકાણ છે એટલે બહાર ક્યાંય જઇ નહીં શકાય પણ ત્યાં એરપોર્ટ પર હરી ફરીને થોડું duty free શોપિંગ કરવાનો વિચાર છે. પાછા ફરતી વખતે પણ આજ રૂટ છે.
આમ તો મોટા ભાગના ખર્ચા ક્રેડિટ કાર્ડથી જ પતાવવાના છે તો પણ આજે યાત્રા માટે જરૂરી એવું વિદેશી હૂંડિયામણ લઇ લીધું. એક સિંગાપોર ડોલરના હાલમાં 5 યુઆન મળે છે. 1 યુઆન એટલે લગભગ 9 ભારતીય રૂપિયા થાય.
ચાઇનાથી પાછા આવ્યા બાદ નવા દેશના નવા અનૂભવો વિશે લખીશ. ચાઇનાની આ યાત્રા સાથે એશિયાના માંધાતા ગણાતા બધા દેશોમાં (કોરિયા અને જાપાન સિવાય) મારો થપ્પો પૂરો થઇ જશે.
Filed under: રોજનીશી Tagged: | ચાઇના, થેપલા, યુઆન, સિંગાપોર, Dalian, Expats, Shanghai



Have a nice journey.
Thanks Heenaben
Journey to mysterious dragon Country : )
From your and family’s safety perspective – it is not a good idea to announce your trip beforehand. It is always better to write about the trip after it is over.
Very well said , that’s absolute a well wisher , please mind it ( Mr. Krunal )