માનસિક વિકલાંગતા – સત્યમેવ જયતે

આપણી માનસિક  વિકલાંગતાને ઉજાગર કરતો આજનો "સત્યમેવ જયતે"નો હપ્તો જોઇને સારુ લાગ્યુ. અત્યાર સુધીના "સત્યમેવ જયતે"ના દરેક હપ્તામાં આમીરે એવા મૂદ્દા/સમસ્યાઓ પ્રસ્તુત કરી હતી કે જેની બધાને ખબર જ છે અને એ બદીઓની જાગરૂકતા ઓછા વત્તા અંશે આપણા સમાજમાં છે જ. જો કે આજના હપ્તામાં જે સમસ્યાની વાત થઇ એ સમસ્યા માત્ર અને માત્ર વિકલાંગોને જ કે જે દિવસ રાત આ સમસ્યાનો ભોગ બની રહ્યા છે એમને ખબર છે. જે માણસના બધા અંગ ઉપાંગો યોગ્ય છે એ ક્યારેય વિકલાંગોના જીવનના સંઘર્ષને સમજી નથી શકવાનો. બહુ બહુ તો આપણે અંધ માણસને રસ્તો પાર કરાવી કે વિકલાંગો પર દયા ઉપજાવીને આપણે આપણી સામાજીક જવાબદારી પૂરી કરી લીધાનો સંતોષ લઇ લેતા હોઇએ છીએ.

આ બાબતે મને સૌ પ્રથમ સભાનતા આવી 2006ની સાલમાં જ્યારે હું સિંગાપોર આવ્યો. સિંગાપોરમાં મારા અનૂભવ પ્રમાણે મોટા ભાગની જગ્યાઓ handicapped friendly છે (જો કે આ વાત વિશે કોઇ વિકલાંગ જ વધૂ સારી રીતે જણાવી શકે) Public transport(બસ અને ટ્રેન બન્ને) હોય કે ઓફિસો હોય કે મોલ હોય કે amusement park હોય દરેક જગ્યાએ મેં વિકલાંગો માટે સુવિધાઓ જોઇ છે. અહીં સિંગાપોરમાં એવી પ્રણાલી છે કે જો કોઇ વિકલાંગ કે disabled માણસ બસ ડ્રાઇવરને બસ સ્ટોપ પર ઉભેલ દેખાય એટલે એ બસ ડ્રાઇવર બસમાંથી નીચે ઉતરે, રેમ્પ તૈયાર કરે અને એ વિકલાંગ વ્યક્તિની wheel chairને પોતે જાતે બસની અંદર લઇ જાય અને એ વિકલાંગ વ્યક્તિને બરાબર બસમાં લીધા બાદ જ ડ્રાઇવર બસ આગળ વધારે. જ્યારે એ વિકલાંગ વ્યકતિને બસમાંથી ઉતરવું હોય ત્યારે પણ બસ ડ્રાઇવર એને મદદ કરે. (જો કે હવે બસોમાં વધતી જતી ભીડના લીધે આ બાબતે થોડી સમસ્યાઓ ઉભી થઇ રહી છે.)  દરેક જગ્યાએ અહીં વિકલાંગો માટે અલગ બાથરૂમો હોય છે (એવા મોટા બાથરૂમો કે જેમાં વિકલાંગ વ્યક્તિ wheel chair સાથે જઇ શકે). Ramp અહીં દરેક જગ્યાઓએ વિકલાંગો અને ઘરડા વ્યક્તિઓ માટે હોય જ છે. અંધ વ્યક્તિઓ માટે પણ અમુક અગત્યના રસ્તાઓ પર floor guides હોય છે. ભારત બહાર વિકલાંગ વ્યક્તિઓ માટે આવી અને બીજી સુવિધાઓ પ્રાપ્ય હોય છે એટલા માટે જ અહીં વિકલાંગ વ્યક્તિ પણ અંશત: એક સામાન્ય માણસની જેમ જીવી શકતો હોય છે, પોતાની રોજી રોટી રળવા માટે સક્ષમ બની શકવા હિંમત પામે છે. આ બધું જોતા મને ખરેખર ભારતના વિકલાંગો પર વધૂ દયા અને આપણી માનસિકતા તથા સરકારી નિષ્ક્રિયતા પર ગુસ્સો આવે છે. આ બધી સુવિધાઓ ઉભી કરવી એ કોઇ મોટી વાત નથી પણ આપણી એવી કોઇ દૂરંદેશીતા નથી કે કોઇ ઇચ્છાશક્તિ નથી જે ખરેખર દયનીય છે. આપણા સમાજમાં "inclusive growth” જેવી વાત જ નથી. વિકાસ કે સમાજના ઉત્થાનની તો કોઇ રાજકારણી વાત કરતા જ નથી ફક્ત લઘુમતીઓના તુષ્ટિકરણ અથવા તો આજકાલ જેમ ચાલે છે એમ કડુઆ પટેલ, લેઉઆ પટેલ, પાટીદાર પ્રજા વગેરેની રાજનીતિમાં કબરમાં પગ લટકાવીને બેઠેલા રાજનેતાઓ લાગ્યા છે.

આજના કાર્યક્રમ બાદ આપણી માનસિક વિકલાંગતાની સ્થિતિમાં થોડો સુધારો આવે તો સારુ છે. આજના કાર્યક્રમની શરૂઆતમાં જે નાની અપંગ છોકરીનો વિડીયો બતાવાયો હતો એ ખૂબ જ લાગણીસભર હતો. સાથે સાથે બેંગ્લોરના લોબો દંપત્તિ કે જેમણે નિશા જેવી બાળકીને અપનાવી એમને પણ સલામ. આવા ઉદાહરણો હજી પણ ભગવાનની કરૂણામાં આપણો વિશ્વાસ જાળવી રાખે છે.

Leave a comment