ઇન્ડિયામાં વેકેશન પછી જ્યારે સિંગાપોર પાછો આવું એના પછીના 2-3 અઠવાડિયા બહુ ભારે રહેતા હોય છે. સિંગાપોરની જીંદગીને મગજમાં સેટ કરતા કરતા આ 2-3 અઠવાડિયા એકદમ ફિલોસોફીકલ થઇ જવાય છે
તો આ ફીલસૂફીને રોજનીશીના પાનામાં આજે ઉમેરી રહ્યો છું.
-
સુખ શાશ્વત નથી. દરેક સુખ કે સફળતા એની સાથે વેલિડીટી લઇને આવે છે અને વેલિડીટી પૂરી થતા એ સુખ કે સફળતાનો નશો આપોઆપ ઉતરી જાય છે.
-
મંઝીલ પર પહોંચવાની મજા ત્યારે જ છે જ્યારે મંઝીલ સુધી પહોંચવા માટેની ભૂખ જીવીત હોય. ઘણા પ્રયત્નો કર્યા પછી પણ જ્યારે મંઝીલ ના મળે ત્યારે એ નિરાશા એ ભૂખને ખાઇ જતી હોય છે. 1998માં મેં એક સપનું જોયું હતું અને એ વખતે એને પૂરું કરવા ઘણા પ્રયત્નો કર્યા હતા પણ એ પ્રયત્નોમાં સફળતા ના મળી અને પછી એ સપના પાછળ ભાગવાનું બંધ કરી દીધું હતું. અનાયાસે જ એ સપનું 2011ની શરૂઆતમાં જ્યારે પૂરુ થયું ત્યારે ખુશી જરૂર થઇ પણ એ ખુશીમાં દુનિયા જીતી લીધી હોય એવો રોમાંચ જરા પણ નહોતો. માટે જ્યાં સુધી તમારી ભૂખ છે ત્યાં સુધી તમારા સપનાને જીવી લેવાનો પ્રયત્ન જરૂર કરતા રહેવું. (પ્રભુદેવાએ ગીત उर्वशी…उर्वशी…ગીતમાં એકદમ સાચુ કહ્યું છે કે 20 की उमर का है जो खेल, 60 में खेल के होगा क्या???
) -
ગુજરાતીમાં કહેવત છે કે અતિની ગતિ નથી હોતી. કોઇ પણ વસ્તુ મર્યાદામાં સારી. જે વસ્તુ વધૂ થવા લાગશે એનો મોહ આપોઆપ ઓછો થતો જશે. મારો પોતાનો અનૂભવ પણ આમ જ કહે છે. આ વખતે ઇન્ડિયા ટ્રીપ દરમ્યાન એક મિત્ર સાથે વાત થઇ હતી. એ ભાઇ હજી 20-22 વર્ષના જ છે. એમણે અત્યાર સુધી જીવનમાં ખૂબ જલસા કર્યા છે, બધી રીતે બધા પ્રકારના જલ્સા કર્યા છે અને કોઇની રોક ટોક વગર જલ્સા કર્યા છે જીંદગીમાં. આ વખતે એ મને કહે કે હવે એને જીંદગીથી કંટાળો આવે છે. મને કહે કે ક્યાં સુધી જીવનમાં હું જલ્સા કરે રાખીશ? એ મને કહે કે મારે જીંદગીમાં હવે દુ:ખ જોવું છે. જીંદગીનો અસલી ચહેરો જોવો છે. મહેનત મજૂરી કરીને હવે એને પોતાની રીતે જીંદગી બનાવવાની તાલાવેલી લાગી છે. મને ખરેખર ખુશી થઇ આવા વિચારો જાણીને.
-
Life is all about choices we make. આજ કાલ મને મારા એન્જીનિયર બનવાની અને સિંગાપોર આવવાની કરેલી પસંદગી યોગ્ય હતી કે નહીં એ વિશે શંકા થવા લાગી છે. આરામ અને શાંતિની જીંદગીની જે આદત અત્યારે પડતી જાય છે એ મારા ભવિષ્ય માટે ખતરનાક છે.
- બહુ ઓછા લોકો એવા છે આ દુનિયામાં કે જે પોતાની મરજીના માલિક હોય છે અને જીંદગી પોતાની મરજી મુજબ જીવે છે. 2002-2003ના સમય ગાળાને બાદ કરતા આજ સુધી મને ક્યારેય એવું જીંદગીમાં નથી લાગ્યું કે હું મારી મરજી મુજબ જીંદગી જીવી રહ્યો છું. મારા નજીકના લોકો આ અફસોસ માટે મારી અમર્યાદ ઇચ્છાઓને દોષ દે છે પણ મને એમ નથી લાગતું. અમુક નિર્ણયો લેવા છે જીંદગીમાં પણ લઇ નથી શકાતા. અત્યારે તો ખાલી એટલો આશાવાદ રાખી શકું કે ક્યારેક જીંદગીમાં એ નિર્ણયો લઇ શકીશ અને એના સારા કે ખોટા પરિણામો ભોગવવા માટે મારી જાતને તૈયાર કરી શકીશ.
- આજે યુટ્યુબ પર અમુક ગુજરાતી ગીતો સાંભળી રહ્યો હતો. जो सुख पायो नाम भजनमें, सो सुख ना है अमीरीमें…. સાંભળીને થોડો વધૂ વિચારવાયુ થઇ ગયો કે પહેલા જીવનમાં કેટલી નિર્મળતા હતી? આજે કેમ હું Rat Race માં મારી જીંદગી વેડફી નાંખવા માટે મજબૂર થઇ રહ્યો છું? બીજું પણ એક ગીત સાંભળ્યું : पिंजरे के पंछी रे….. तेरा दर्द ना जाने कोइ…. तेरा दर्द ना जाने कोइ… અત્યારે તો આ ગીત મારા માટે જ લખાયું હોય એમ લાગે છે.
અત્યારે સિંગાપોર નામના સોનાના પિંજરાએ મને કેદ કરી રાખ્યો છે પણ હવે આ કેદમાંથી આઝાદ થવાનો સમય પાકી ગયો છે.
અત્યારે આટલી ફિલોસોફી ઝાડીને અટકું છું. બીજું ફરી ક્યારેક
Filed under: રોજનીશી Tagged: | નિર્ણય, ફિલોસોફી, વિચારવાયુ, સિંગાપોર, સુખ, rat race



Well,Krunalbhai,sav sacho VICHARVAYU chhe tamaro.Just live your life like today is your last day ! Enjoy.
આવા (વિચાર) વાયુથી ગ્લોબલવોર્મિંગ નહિ પણ ગ્લોબલ વોર્મ થતું રહે એટલે આવવા દેજો તમતમારે !
ખુબજ સરસ… આવા ઘણા વિચારો મારા મગજ માં પણ છેલ્લા કેટલાક દિવસ થી ચાલ્યા કરે છે.. પણ ઘણી વાર એવું પણ લાગે કે આ એવો સ્ટેજ છે કે જેમાં આવા વિચારો તો આવશે જ…
અને એક કોઈક ની કહેલી વાત છે કે:
એવી કઈ વાત જે દુખી હશે એને કહેશો તો સુખી અને સુખી હશે એને કેહ્શો તો દુખી થઇ જશે??
“આ સમય પણ જતો રેહશે!!”
[...] જેમ વિચારોની ભેળપુરી ખાધી (પછી વિચારવાયુ થાય જ ને? ). પણ, ઓછી ફિલોસોફિકલ અને વધુ [...]
This is first step to spirituality. Don’t allow your life to take control of you once took first step or it will be called midlife crisis.