Moshe Holtzberg
ઉપરની તસ્વીર માસૂમ મોશે નામના બાળકની છે. મુંબઇના આતંકવાદી હૂમલાના ચિત્રોમાં જો સૌથી હ્રદયદ્રાવક કોઇ ચિત્ર હોય તો મને આ લાગે છે. મોશે મૃતક ઇઝરાયેલી દંપતિનું માત્ર બે વર્ષનું કૂમળું ફૂલ છે. નરીમાન હાઉસ પર આતંકવાદીઓએ કરેલા હૂમલામાં આ માસૂમ બાળકના માતા અને પિતા બન્ને ત્રાસવાદીઓના આતંકના શિકાર બની ગયા છે. ઇઝરાયેલી દંપતિ મોશે સાથે નરીમાન હાઉસમાં રહીને જ્યુઇશ લોકો માટે સમાજસેવા કરતા હતા. આ માસૂમ બાળક તેના પપ્પા મમ્મી સાથે આતંકવાદીઓના હૂમલાના સમયે નરીમાન હાઉસમાં જ હતું. હૂમલાના સમયે મોશેના મમ્મી પપ્પાને મોશેની સામે મારી નાંખવામાં આવ્યા અને માસૂમ બાળક લોહીના ખાબોચિયામાં પોતાના મમ્મી પપ્પાને ઉઠાડવાની કોશિશ કરતું એમની બાજુમાં રડતું રહી ગયું. નરીમાન હાઉસમાં કામ કરતી નેની મોશેને લઇને બહાર ભાગી આવવામાં સફળ થઇ પરંતુ મોશેના મમ્મી પપ્પા જીવતા બહાર ના આવી શક્યા. આ માસૂમ ફૂલને તો એ પણ ખબર નથી પડતી હજી કે એના મમ્મી પપ્પા એને હવે ક્યારેય નહીં મળી શકે. એની માસૂમ આંખો અને એમાંથી નિકળતા આંસુ કદાચ એના પપ્પા મમ્મીને શોધી રહ્યા છે. એના પપ્પા મમ્મીના દફનવિધિના અમુક વિડીયો ફૂટેજ જોઇને મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. દાદા દાદી બિચારા એને બોલ કે કોઇ રમકડું આપી શાંત રાખવા પ્રયત્ન કરતા એ વિડીયોમાં બતાવાયા છે પણ છતાં પણ મોશે ક્યારેક રમે છે તો ક્યારેક ભીડમાં પોતાના મમ્મી પપ્પાને શોધતું રડવા લાગે છે. ભગવાનને પૂછવાનું મન થાય છે કે આ માસૂમ સાથે આવું કેમ કર્યું તે?
રુહીથી જો હું દૂર હોઉ તો તરત એ મને કે એની મમ્મીને શોધવા લાગે છે. રુહીને તો એવી આદત છે કે જ્યાં પણ જવાનું ત્યાં પપ્પા અને મમ્મી બન્ને એ સાથે જ જવાનું કોઇએ એકલા નહીં જવાનું. જો હું એને ક્યાંય લઇ જવા માટે શૂઝ પહેરાઉ તો એ એની મમ્મીને રસોડામાંથી બહાર લાવીને પોતાની સાથે આવવા માટે મૂંગા મૂંગા પણ સમજાવે છે. બોલી ના શકતા હોય તો પણ પોતાનાથી જે શક્ય બને એ રીતે આ નાના બાળકો પોતાના મમ્મી પપ્પાની હૂંફ મેળવવા માટે પ્રયત્ન કરતા હોય છે. મને બહુ દુ:ખ થાય છે કે મોશેના નસીબમાંથી આ હૂંફ ભગવાને બહુ કૂમળી વયમાં છીનવી લીધી.
મોશે અત્યારે પોતાના નાના-નાની સાથે ઇઝરાયેલ જતો રહ્યો છે. ભગવાને એને ખૂબ નાની ઉંમરમાં જીંદગીની કડવી વાસ્તવિકતાનો સામનો કરાવી દીધો છે. મારી ખરા દિલથી શુભેચ્છાઓ છે મોશે માટે. એ જીવનમાં ખૂબ સારી રીતે જીવે અને હ્રદયમાં કડવાહટ અને દુશ્મનાવટનું ઝેર ભર્યા વગર એક ઉમદા જીંદગી જીવે એવી અંતરની શુભેચ્છાઓ.
ઉપરની તસ્વીર મોશેના માતા પિતાની છે. ખબર નહીં આતંકીઓને આ હસતા ખેલતા પરિવારને બરબાદ કરીને શું મળ્યું?


લોકોના અભિપ્રાયો