ઇન્ડિયા ડાયરી – શ્રધ્ધાનો વિષય છે…..
શ્રધ્ધાનો વિષય છે,પૂરાવાની ક્યા જરૂર છે. કુરાનમાં તો પયગમ્બરની સહી નથી……
આ પંક્તિઓ કોની છે એ તો ખ્યાલ નથી પણ આપણા ભારતીયોના સંદર્ભમાં એકદમ યોગ્ય છે. આપણા ઇન્ડિયામાં અંધશ્રધ્ધા એટલી છે કે પથ્થર એટલા દેવ પૂજાય છે. ભગવાન પર શ્રધ્ધા રાખવી એ ખૂબ જરૂરી છે પણ અંધશ્રધ્ધા ખોટી વસ્તુ છે. આવા જ કેટલાક અનૂભવો મને મારી ઇન્ડિયાની મૂલાકાત વખતે થયા.
અમે લોકો કૂળદેવીમાતાના દર્શન કરવા માટે ચોટીલા ગયા હતા. ચોટીલા માતાના દર્શન કરવા માટે દાદરા ચઢીને પર્વત પર દર્શન કરવા જવું પડે છે. હવે બન્યું એવું કે દાદરા જ્યાંથી શરૂ થાય છે ત્યાં એક ગાય આવી ગઇ અને લોકો આ ગાયને દેવીમાતા સાથે જોડીને પૂજવા લાગ્યા. આપણા દેશમાં ગાય માતા તરીકે પૂજાય છે એ વાત બરાબર પણ આ જ ગાય જો બીજી કોઇ જગ્યાએ ઉભી હોત તો લોકોએ એને મારીને ક્યારની ભગાવી દીધી હોત. પણ ગાય મંદિરના દાદરા પાસે હતી એટલે પૂજાવા લાગી.
બીજી એક જગ્યાએ મેં એક હવન કુંડ જોયો. આપણા દેશમાં બધાં હવન કુંડની રાખને હવન બાદ લેતા હોય છે અને માથા અને કપાળ પર લગાવતા હોય છે. અહીં પણ બધાં લોકો હવનકુંડની રાખને પોતાના માથા પર અને કપાળ પર લગાવતા હતા. પણ મેં જોયું કે એ કોઇ હવન પછીની રાખ નહોતી. એ હવન કુંડમાં તો મેં જોયું કે મંદિરના માણસો અગરબત્તીના ખાલી પેકેટો અને બીજો કચરો સળગાવતા હતા. આપણી પ્રજા આ બધું નજર સામે જોવા છતાં પણ રાખ તો લગાવતા જ હતાં. હવે આને શું કહેવું?
ઘણી બધી વસ્તુઓ આપણે (જેમાં હું પણ આવી ગયો) શ્રધ્ધાથી કરતા હોય છે પરંતુ શ્રધ્ધા અને અંધશ્રધ્ધા વચ્ચે પાતળી ભેદરેખા છે જે આપણે સમજવી જોઇએ.


લોકોના અભિપ્રાયો